મેલા કપડાને ધોઈને પહેરી લેવામાં આવે તો એ પણ સારા લાગે છે. એનાથી કુરૂપ લોકો પણ સુંદર લાગવા માંડે છે. એવી રીતે જ જે માનવી પોતાના સ્વભાવ અને ચરિત્રને પ્રેમના બીબામાં ઢાળી લે છે તે લોકો ખરાબ સાથે પણ સારો વર્તાવ કરે છે.
કેવળ ધન ન હોવાથી કોઈ માનવી ગરીબ નથી હોતો. એવો વિચાર કદી મનમાં ન આવવા દેવો કે ધનથી માનવી ધનવાન ગણાય છે.
ધનથી મોટી, કિંમતી વસ્તુ હે વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન ! જેની પાસે આ બધું છે તેનાથી મોટો ધનવાન આ દુનિયામાં કોઈ નથી. સૌથી મોટો ગરીબ તો એ છે જેની પાસે બુદ્ધિ નથી, એવા માનવી પાસે ધન હોય તો પણ એનાથી કશો લાભ નથી. તે એવી ધરતી સમાન છે જે બિન ઉપજાઉ છે, વેરાન છે.
માનવીએ પગ ઉપાડતા પહેલા એ જોઈ લેવું જોઈએ કે તેનો પગ ક્યાં પડે છે, આગળનો માર્ગ કેવો છે. પોતાની આંખોથી પહેલા માર્ગનું નિરીક્ષણ કરી લેવું, ત્યારબાદ જ ડગલું ઉઠાવવું. પાણીને પીતા પહેલા કપડાથી ગાળી લેવું જોઈએ. હંમેશા મીઠી મધુર વાણીમાં વાત કરવી. કટુ-કડવી વાણી હંમેશા શત્રુતા પેદા કરે છે. જે લોકો આવા નિયમો પાળે છે તેઓ કદી દુ:ખી થતા નથી.
શિક્ષા તો એ લોકો જ પ્રાપ્ત કરી શકે છે જે તપ, ત્યાગનું જીવન વ્યતીત કરે છે. વિદ્યા પ્રાપ્તિ માટે સુખચેન ત્યાગવા જ પડે છે.
જે માનવીના હૃદયમાં વિદ્યા પ્રાપ્ત કરવાની લગન નથી હોતી, ઉમંગ નથી હોતો, તેનાથી વિદ્યા દૂર ભાગે છે, પરિણામે તેનું ભવિષ્ય, તેનું જીવન નષ્ટ થઇ જાય છે.
જ્ઞાની પુરુષને સમાજનો સૌથી ઉચ્ચ અને શ્રેષ્ઠ માનવી ગણવામાં આવે છે. તેની કલ્પના ક્યાંથી ક્યાં પહોંચી શકે છે જેને સાંભળી લોકો આશ્ચર્યના મહાસાગરમાં ડૂબકીઓ લગાવતા થઇ જાય છે.
જ્ઞાની પુરુષ પોતાની કલ્પનાને સહારે એ રહસ્યોની જડ સુધી પહોંચી જાય છે જેની કલ્પના પણ કોઈ માનવી કરી શકતો નથી. પરંતુ આ સમાજમાં કેટલાક વિવેકહીન લોકો એવા પણ હોય છે જે આવા જ્ઞાનીઓ સાથે દગો કરે છે. તેમના કોમળ હૃદયને તોડી નાખનાર પાષાણ હૃદયી લોકો પણ હોય છે. આવા લોકો સૌથી મોટા પાપી હોય છે. જયારે જયારે જ્ઞાની પુરુષનો આત્મા રડે છે ત્યારે ત્યારે ભગવાનનું હૃદય પણ વ્યાકુળતાથી તડપી ઉઠે છે.
ભાગ્ય વિધાતાના ખેલ અનોખા છે, નિરાળા છે. તે ઈચ્છે તો રંકને પણ રાજા બની દે અને ઈચ્છે તો રાજાને પળમાં રંક બનાવી દે. તેના આવા ખેલને આજ સુધી કોઈ સમજી શક્યું નથી અને કદાચ સમજી શકશે પણ નહીં.
જે લોકો બુદ્ધિહીન છે, જેમની પાસે જ્ઞાનની વાતો સમજવાની શક્તિ નથી એવા લોકોને જો તમે ધર્મશાસ્ત્રની વાતો બતાવશો, સમજાવશો તો એનાથી કશો લાભ નહિ થાય. તેમને ઉપદેશ આપવો તે આંધળાને અરીસો બતાવવા સમાન છે. ચંદનના ઝાડ નજીક વાંસ ઉગે છતાં તેમાં કદી સુગંધ નથી આવી શકતી. મુર્ખ લોકો એવા જ હોય છે. તેઓ જ્ઞાનીઓની સાથે રહીને પણ કશું શીખી નથી શકતા. પત્થર ઉપર પાણીનું ટીપું પડે કે ન પડે કોઈ ફરક નથી પડવાનો.