ધ્યેય.

એક વ્યક્તિ જીવનમાં પૈસાદાર બનવાનું સ્વપ્ન જુએ છે. એ મનમાં દ્રઢ નિર્ણય કરે છે કે ગમે તે રીતે અથાગ મહેનત કરીને પણ મારે પૈસાદાર થવું છે. મારા જીવનમાં મારે ગરીબી હટાવીને અમીરીને સ્થાપવી છે. તે તેના માટે અથાગ મહેનત કરવાનું ચાલુ કરે છે. પણ સમય વળાંક લે છે. તેના જીવનમાં કેટલીક અડચણો આવે છે. કેટલાક સંજોગો ઉભા થાય છે. મન નો આમિર બનવાનો પેલો દ્રઢ વિચાર ઢીલો પડતો જાય છે. સમયની થપાટો વચ્ચે પેલો વિચાર ચકનાચુર થઈ જાય છે.
તેના વિચારોમાં પેલો વિચાર ક્યાંક દબાઈ જાય છે. તેની પર સમયના, તકલીફોના, સંજોગોના, પરિસ્થિતિઓના પીડાના, વેદનાના થર જામતા જાય છે. તેના કોઈ છાને ખૂણે એ એક ઈચ્છાને સાચવીને જિંદગીભર જીવે છે.

આ ઘટના જિંદગીના દરેક વળાંકે બને છે. દરેકના જીવનમાં બને છે. બધાના ધ્યેય અલગ અલગ હોય છે પણ પરિણામો સરખા જ આવે છે. નિર્ણયો નબળા પડે છે. વિચારોની દ્રઢતા ઓછી થતી જાય છે અને વિચારો અગત્યતાના સૌથી નીચેના પગથિયે આવીને ઊભી રહે છે.

માનવ જીવન હંમેશા પ્રતિકુળતાથી ભરેલું રહ્યું છે. માણસ હંમેશા પોતાના જીવનમાં આવતી પ્રતિકૂળતાઓ જોઈને નિર્ણય અને અભિપ્રાયો બદલતો રહે છે. દરેકને ક્યાંક પહોંચવું છે પણ પોતાની શરતે. એને મંજિલ પણ એની ઈચ્છા મુજબ જોઈએ અને રસ્તો પણ એટલે આપણામાંથી મોટાભાગનાઓના જીવન એવા જ રહ્યા છે કે એ જવા ક્યાંક બીજે નીકળ્યા હતા અને ક્યાંક બીજે જ પહોંચી ગયા હોય.

Leave a comment